મારી મૃત્યુ વેળાએ

મારી મૃત્યુવેળા એ …
પ્રિય !
હું કાલે મ્રત્યુ પામું ત્યારે તું શું કરશે ?
કેટલાય દિવસ તું માનશે નહીં .
કે હવે હું નથી .
પછી કોઈ ક દિન તું બેઠો હશે એકાંત માં ,
અશ્રુ અજ્ઞાત થઇ ને તારા ગાળા માં થીજી જશે ;
અને તું સાચે જ રડશે અશ્રુ ને સંતાડવા ને !
આખરે માનશે કે હું ખરેખર મૃત્યુ પામી છું .
હે પ્રિયે !
તું ત્યારે કોઈ વિષાદી ગીત ના ગાઇશ કે
મારી છબી પર ગુલાબ ના ફૂલ ના ચડાવીશ ,
આપણે ક્યાં દૂર થઈશું ?
હું તો છોડી દઈશ મારું સ્નેહમય હ્રદય
કે જેને મેં થીજી ગયેલા આંસુ માં સાચવી રાખ્યું છે !
@Anu

प्रिये !

कल मेरा मृत्यु हो तो तुम क्या करोगे ?
कितने य दिन तक तुम मानोगे नहीं ,
की अब मैं नहीं हूँ ।
आखिर किसी दिन तुम बैठे होंगे एकांत में ;
अश्रु अज्ञात बन के तेरे गले में थम जायेगा ;
और तुम सच ही रोयेगा अश्रु को छिपाने को !
आखिर तुम मानोगे की सचमुच ही मेरा देहांत हुआ है ।
हे प्रिये !
तब तुम कोई विषादी गीत मत गाना ,
मेरी तस्वीर पर गुलाब के फूल भी मत चढ़ाना ।
हम कहाँ दूर होंगे ?
मैं तो छोड़ जाउंगी मेरा स्नेहमय ह्रदय
जिसे मैंने थम गए आंसूओ में सम्भाल रखा है ।
@Anu

અનસુયા દેસાઈ

દોષી કોણ ?

દોષી કોણ ?
———-

સ્વાતિ મુંબઈના એરપોર્ટ પર ઉતરી અને ટેક્ષી કરી ડ્રાઈવરને ચર્નીરોડ લેવા કહ્યું . બપોરના સમયે traffic થોડો હોય ટેક્ષી મુંબઈના લોકો,મકાનો ,વૃક્ષોને પાછળ છોડતી સડક પર પૂરપાટ દોડી રહી હતી.. મુંબઈમાં કશું બદલાયું નહોતું છતાં પણ એને જાણે બધું બદલાયેલું લાગતું હતું.

ચર્નીરોડ ચોપાટી આવતા ટેક્ષી પુરંદરે મેટરનીટી હોમ સામે ઉભી રખાવી એ નીચે ઉતરી . સુરજ મધ્યાન્હે હતો. ચોપાટી તરફ એણે જોયું તો સામે દરિયામાંથી ઉઠતી લહેરો આવી આવીને તપી ગયેલી રેતીને લેપ કરી જતી હતી જાણે એના જખ્મોને પંપાળી રહી હતી. મેટરનીટી હોમના પગથીયા ચડતા ચડતા, એનું સાધારણ માથું દુખે તો પણ બેબાકળી બની કપાળ પર હાથ ફેરવતી રહેતી એની ‘માં’ યાદ આવતા એની આંખ ભરાઈ આવી. ‘માં’ ને હું શું કહીશ ? મનોમન ચિંતા કરતી ડોક્ટરની કેબીન પાસે આવી જોયું તો ડોક્ટરને મળવાનો સમય સાંજે ચારનો હતો. વિચાર આવી ગયો કે દોડીને માં ને મળી આવું , પણ પાપાની સામે જવાની હિમ્મત ક્યાં હતી ? કેવી અજીબ પરિસ્થિતિ હતી કે અહીંથી નજીકમાં જ આવેલ ખેતવાડીની ચાલમાં મા-બાપના અનહદ લાડકોડમાં ઉછરેલી સ્વાતિને અત્યારે ત્યાં જતા ડર લાગતો હતો.. એણે ત્યાં જ વેઇટિંગરૂમમાં બેસી ડોક્ટરની રાહ જોવાનો વિચાર કર્યો.. ડૉ. પુરંદરે ખુબ જ સાલસ સ્વભાવના અને સ્વાતિના પાપાના દૂરના સંબંધી હતા .એ પોતાને કોઈ મદદ અને સુઝાવ આપશે એવી આશાએ અહીં આવી હતી. વહેલી સવારે એ દિલ્હીથી નીકળી હતી તો મન અને મગજ સાથે શરીર પણ થાક અનુભવતું હતું. વેઇટિંગરૂમ ખાલી હતો.એ ત્યાં જ સોફા પર આંખ બંધ કરી બેસી રહી. મનમાં અનેક વિચારો ચાલી રહ્યા હતા…
કાશ! મેં પાપાનું કહ્યું માની ..મુંબઈમાં જ એડમીશન મળે એની રાહ જોઈ હોત તો?

કુશાગ્ર બુદ્ધિપ્રતિભા ધરાવતી પણ ચંચળ સ્વભાવની સ્વાતિએ ફર્સ્ટ ક્લાસમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું તો સ્કોલરશિપના આધાર પર એને દિલ્હીમાં એમબીએનું એડમીશન મળ્યું . સ્વાતિનો પરિવાર મધ્યમવર્ગીય અને એવી જ વિચારસરણી ધરાવતો હોય, પાપાની ઈચ્છા દિલ્હી મોકલવાની હતી નહીં. પરંતુ સ્વાતિની જીદ અને પ્રેમભરી કાકલુદીથી પીગળી જઈ લાડલીને સમંતિ આપી દીધી.

દિલ્હીમાં જ એમબીએના બીજા વર્ષમાં સ્વાતિની દોસ્તી સહાધ્યાયી રાજન સાથે થઇ અને ધીરે ધીરે દોસ્તી પ્યારમાં બદલાઈ ગઈ. પણ શું એ પ્યાર હતો કે વિજાતીય આકર્ષણ હતું ? જ્યારે યુવાનો આકર્ષણ અનુભવે છે ત્યારે એમને એકબીજાની વાતમાં એના જ્ઞાનમાં, એની બુદ્ધિમાં, એના સૌંદર્યમાં બધે જ રસ પડે છે. પણ આ બધું ક્ષણજીવી હોય એ વાત સ્વીકારવા તેઓના મન તૈયાર નથી હોતા અને પછી કહ્યા કરે છે કે આ તો પ્રેમ છે. સ્વાતિને પણ લાગતું હતું કે રાજન એને પ્રેમ કરે છે. રાજન પણ બીજા શહેરથી આવેલો અને હોસ્ટેલમાં રહેતો હતો. થોડો સમય પસાર થયો તો એક દિવસ રાજને કહ્યું , “સ્વાતિ, આપણી કેરિયર માટે આ વર્ષ ખુબ મહત્વનું છે અને રોજ હરવા ફરવામાં આપણો સમય બરબાદ થઇ રહ્યો છે.મારું તો તારા વગર ક્યાંક મન લાગતું નથી. તો ચાલને હોસ્ટેલ છોડી કોઈ મકાન ભાડે લઇ પતિપત્નીની જેમ રહીએ. આપણે એકબીજાને પસંદ પણ તો કરીએ છીએ. ” સ્વાતિએ વચ્ચેથી વાત અટકાવતા કહ્યું , “ અરે ! ચાલુ અભ્યાસે અને તે પણ પરિવારની અનુમતિ વિના? ” સ્વાતિની વાતને તુરંત કાપતા રાજને કહ્યું . “ હું તો કોઈ ધામધૂમ વગર આપસી સહમતીથી આધુનિક યુવક-યુવતીની જેમ લિવ ઈન રિલેશનશિપમાં રહેવાની વાત કરું છું.” પણ સ્વાતિનો નકારાત્મક અભિગમ જોઈ રાજને એને પ્રેમથી સમજાવી જોતા કહ્યું કે મા-બાપ સારો છોકરો , સારો પરિવાર જોઈ અને દસ -પંદર લાખનો ખર્ચ કરી લગ્ન કરે , પણ એ લગ્નની સફળતાની ગેરંટી કેટલી ? તું તો મને જાણે છે, પ્રેમ કરે છે. લિવ ઈન રિલેશનશિપ તો આવી ખર્ચાળ લગ્નપ્રથા વિરુદ્ધ એક ક્રાંતિકારી પગલું છે. આપણે સમજુ એજ્યુકેટેડ છીએ .તો આવી ક્રાંતિમાં કેમ ના જોડાઈયે ?” સ્વાતિને રાજન પર ખુબ વિશ્વાસ અને લગાવ હતો.એની વાતને એક ચેલેન્જ સમજી પોતાની માન્યતા અને વ્યક્તિત્વ વિરુદ્ધ જઈ, હોસ્ટેલ છોડી રાજન સાથે ભાડેના મકાનમાં રહેવા લાગી. પતિ-પત્ની જેવા સંબંધમાં ના જાણે ક્યારેક એની ભૂલ થઇ અને પ્રેગનન્સી રહી ગઈ. ખુશીથી ઉછળતી એણે રાજનને જાણ કરી તો એ ગુસ્સે થઇ ગયો. “ તું સુશિક્ષિત સમજદાર યુવતી છે એવું માનતો હતો પણ તું તો અનપઢ ગંવાર જેવી નીકળી. જા,કોઈ હોસ્પિટલમાં જઈ MTP કરાવી લે. બાળક માટે તો આખી જિંદગી પડી છે. થોડા સમયમાં Exam અને કેમ્પસ સિલેકશન આવે છે. કંઇ અક્કલ છે ? ” રાજનના આવા અપમાનથી સ્વાતિના આત્મસન્માનને ખુબ ઠેસ પહોંચી.

તે સમયે ટીવી પર મહિલા દિન નિમીત્તે કોઈ પ્રોગ્રામ ચાલી રહ્યો હતો. કોઈ વિદ્વાન લેખિકા બોલી રહી હતી ,”આપણે નારી મુક્તિ જોઈએ છે મુક્ત નારી નહીં.” સ્વાતિને ત્યારે આ અર્થ સમજાયો.રાજન પ્રત્યેના પ્રેમની જગ્યાએ હવે નફરતે સ્થાન લીધું હતું. રાજનને પાઠ ભણાવવા એ ચુપચાપ નારીસંસ્થામાં માર્ગદર્શન લેવા ગઈ તો સામાજિક કાર્યકર્તાએ કોલેજ પર રાજન વિરુદ્ધ જુલુસ કાઢવાની સલાહ આપી અને મહિલા વકીલ તરફથી કોર્ટ કેસની સલાહ મળી. સ્વાતિએ વિચાર્યું જે સંબંધનો પાયો રેતી પર નંખાયો છે એની રક્ષા કાનૂનથી કેમ થશે ? હું ન્યુઝપેપરના પાને ચડીશ, મા-બાપની સમાજમાં બદનામી થશે તો પોતાનાથી નાની બહેનના ભવિષ્યનું શું ? એક તરફ આ પરેશાની તો બીજી તરફ Exam ની ચિંતા…Exam પણ આપવી જરૂરી હતી કારણ એ સ્કોલરશિપ મેળવી અભ્યાસ કરી રહી હતી. આવી પરેશાનીમાં પ્રેગનન્સી રહ્યાને ઘણો સમય પસાર થઇ ગયો તો દિલ્હીમાં ડોકટરે અબોર્શન કરવા માટે ના કહી. રાજન તો અમેરિકાની કોઈ કંપની માટે સિલેક્ટ થઇ ગયો હતો. સ્વાતિને તું એબોર્શન કરાવી લેજે કહી Exam પછી તુરંત પોતાના શહેર એના વડીલોને મળવા ચાલી ગયો હતો . સ્વાતિ સામે વિરાટ પ્રશ્ન હતો. કોઈ સમાધાન હતું નહીં. માટે એ મુંબઈ ડૉ. પુરંદર પાસે આવી હતી અને એની રાહ જોતી બેઠી હતી..

સ્વાતિએ સમય જોવા આંખ ખોલી તો એની નજર સામેની ભીંત પર લટકાવેલ સુંદર બાળચિત્ર પર પડી અને સહસા એનો હાથ ઉદર પર જતા હ્રદયમાં એક અલૌકિક અનુભૂતિ ઉત્પન્ન થઇ..એ વિચારવા લાગી કે દરેક સ્ત્રીને પોતે બાળકને જન્મ આપવો છે કે નહીં તે વિચારની મુક્તિ અને જન્મ ના આપવાનો નિર્ણય પણ સ્ત્રીનો પોતાનો જ હોવો જોઈએ. બાળકના અભિભાવક માટે ‘માં’ ના નામને તો હવે કાનૂની માન્યતા મળી જ છે . મને પણ સ્ત્રી હોવાનું ગૌરવ છે અને હું મારી રીતે જીવન જીવવા મુક્ત છું.
શા માટે મારા નિર્ણય હું મારી જાતે ના લઉં ? હું સુશિક્ષિત નારી, મારા બાળકનું પાલનપોષણ કરવા સક્ષમ છું. જે થશે એનો મુકાબલો હું કરી લઈશ પણ મારા બાળકને જન્મ આપીશ…એક પ્રશ્નનો હલ તો મેળવી લીધો . ભવિષ્યમાં ઉપસ્થિત થતા પશ્નોના જવાબ તો સમય સાથે મળતા રહેશે અને સમય જ સમસ્યાનો નિકાલ કરશે.

પરંતુ સ્વાતિને આ પ્રશ્નનો ઉત્તર મળતો નથી કે નારીની વિવશ પરિસ્થિતિ માટે દોષી કોણ? સામજિક પારિવારિક લગ્નપ્રથા વિરુદ્ધ જઈ મોર્ડન ને બોલ્ડ બનવાની આધુનિક વિચારસરણી ? પ્રેમના આવેગમાં સ્ત્રી સહજ લાગણીથી પ્રેમી પર અંધવિશ્વાસ મૂકી દેતી નારી? કે સ્ત્રીને માત્ર એક સ્ત્રી તરીકે જ જોતા પુરુષોની લપંટતાઈ? વિચારમંથનથી થાકેલી સ્વાતિ મનોગત બોલી ઉઠી કે જ્યારે સ્ત્રીને ફક્ત સ્ત્રી તરીકે જ જોવામાં આવે, વ્યક્તિ તરીકે નહીં અને ત્યારે જો સુશિક્ષિત નારી સમાજના ડરથી અન્યાય,અપમાન સહન કરીચુપ બેસી રહે તો એ પણ શું દોષીણી છે ??

………અનસુયા દેસાઈ

વિવશતા

વિવશતા
********
શિયાળાની ઠંડી રાત ધુમ્મસના આલિંગનમાં જકડાઈ બેઠી હતી… આયુષીએ રજાઈમાં છુપાઈ સુવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રિયમની યાદ એને ક્યાં સુવા દેતી હતી? શાલ ઓઢતી નાઈટલેમ્પના ઝાંખા અજવાળામાં એ દીવાનખંડમાં આવી સોફા પર બેઠી. એની નજર વિન્ડોગ્લાસમાંથી બહાર રસ્તા પર પડી તો ધુમ્મસથી છવાયેલું સ્ટ્રીટલાઈટનું અજવાળું કંઈક વિચિત્ર લાગતું હતું, આયુષીને વિચાર આવી ગયો કે મારી આસપાસ પણ ખાલીપાનું ધુમ્મસ છવાઈ જ ગયું છે ને ! પ્રિયમ વિના જીવન અંધકારમય થઇ રહ્યું છે.
ઉચાટમાં ઉભી થઇ લાઈટ કરી તો પણ મન પર છવાયેલો ગાઢ અંધકારનો ઓછાયો ખસતો ના હતો..અવનવા વિચારોમાં પ્રિયમ માટે ખીજ ભળવા લાગી. મેં એવું તે શું કહ્યું કે આટલા વરસનો પ્રેમસંબ છોડી ચાલ્યો ગયો ? હું અહીં એકલી કેમ રહીશ એની ચિંતા કે વિચાર પણ ના કર્યો ? હવે તો મારે પણ કોઈ લાગણી બતાવવી નથી. હું પણ એના વિના જીવી શકું છું. થોડી વાર ખીજ ચડી પણ એ ફરી નર્વસ થઇ ગઈ.એનું દિલ તૂટી ગયું હતું .એની પીડા સમજે એવું કોઈ ઘરમાં નહોતું..
આયુષી ૩૦ વર્ષીય MBA થયેલી એક બહુરાષ્ટ્રીય કંપનીમાં ફાઈનાન્સીયલ એડવાઇઝર હતી. પતિ પ્રિયમ ૩૩ વર્ષીય મીકેનીકલ એન્જીન્યરીંગમાં ME હતો અને એક જાણીતી કંપનીમાં ડેપ્યુટી મેનેજરના પદ પર કાર્યરત હતો.બન્ને કુશાગ્ર બુદ્ધિશાળી હોય સફળતાના સોપાન ઝડપભેર ભરી રહ્યા હતા. ઊંચાં પગાર અને સમૃધ્ધ જીવન માણવા અમદાવાદમાં વસતા પોતાના વડીલોથી દૂર દિલ્હી આવી વસ્યા હતા.તેઓનું દાંપત્યજીવન આનંદમાં સુખશાંતિથી પસાર થઇ રહ્યું હતું , પણ જીવન અને જગત ક્યારેય સીધી લાઈનમા ચાલતા નથી. હજુ તો પંદર દિવસ પહેલાની જ વાત છે. એ દિવસે કંપનીના CEO એ સ્ટાફ મીટીગમાં આયુષીના કામની પ્રશંસા કરતા એને પ્રમોશન આપ્યાનો નિર્ણય જાહેર કર્યો હતો. ખુશીથી છલકતી એ પ્રિયમને સમાચાર આપવા આતુર સીધી ઘરે આવી .એના આવવાનો સમય થવા આવ્યો હોય એ રાહ જોતી હતી…ત્યાં જ મોબાઈલ પર પ્રિયમનો મેસેજ આવ્યો . “ I am in meeting ..coming late..will have dinner out” …મીટીગમાં હોય ફોન પણ ના કરી શકતા આયુષી થોડી નિરાશ થઇ ગઈ .પ્રિયમ રાત્રે ૧૧ વાગ્યે આવ્યો અને આવતા જ લેપટોપ અને ફોન કોલ્સમાં વ્યસ્ત થઇ ગયો. મીટીંગની કોઈ મહત્તા હશે સમજી આયુષી એનું કામ પૂરું થવાની રાહ જોતી ન્યુઝપેપર વાંચતી બેસી રહી.સમય પસાર થઇ રહ્યો હતો .
“ પ્રિયમ ! પ્લીઝ , હવે તો કામ બંધ કર. રાત્રીના એક થવા આવ્યો છે ” પેપરને ફોલ્ડ કરતા આયુષી એ કહ્યું. “ તું પણ એડવાઇઝર છે. કામ નું મહત્વ જાણે છે ને ? “ લેપટોપ પર ટાઈપ કરતા કરતા એ બોલ્યો.
‘અફકોર્સ ! કેમ ના જાણું ? હું પણ તો કામ કરું છું ,પણ આ રીતે ઘરે નહીં. ‘
લેપટોપ ને ચાર્જીગમાં મુકતા એ ધીરેથી બોલ્યો , “ તું કામ કરે છે…એ હું જાણું જ છું .’ આવી બેરુખીથી આયુષીની લાગણી દુભાઈ તો પણ એણે શાંતિથી કહ્યું .” જો પ્રિયમ ! હું આપણી પર્સનલ લાઈફને પ્રોફેશનલ લાઈફ સાથે જોડતી નથી .ઓફીસનું કામ ઓફિસમાં જ કરું છું.તો પણ આજે મને પ્રમોશન મળ્યું છે અને કેમ મળ્યું છે, તું જાણે છે ?’ પ્રમોશનની વાતથી પ્રિયમને ઈર્ષા થઇ હોય એવું લાગ્યું . ‘મારે કંઈ જાણવું નથી કે સમજવું નથી.તું કેટલું અને કેવું કામ કરે એ મને ખબર છે” આવા ઉત્તરથી આયુષીના આત્મસન્માનને ઠેસ પહોંચી . એણે ઊંડો શ્વાસ લેતા ગર્વથી કહ્યું , “કામ કરું છું તો જ તો આ શાનદાર ફ્લેટની સુખસાહ્યબી મળી છે.”. પ્રિયમને લાગ્યું કે આયુષીને અહંકાર આવી ગયો છે.એ અકળાયો અને ઊંચાં અવાજે રોષ ઠાલવતા ઉદ્ધતાઈથી સંભળાવ્યું ,” તારો આ ફ્લેટ જાય જહન્નમમાં ! મારે તારા આ ફ્લેટની કોઈ જરૂર નથી.હું પણ મારી કંપનીમાં ડેપ્યુટી મેનેજર છું અને જનરલ મેનેજર થઇ તને બતાવીશ .”
શું પ્રિયમ પોતાની પ્રોફેશનલી ક્વોલીફાઈડ પત્નીની પ્રગતી જોઈ શકતો ના હતો ? એનામાં ઈર્ષા હતી કે પોતાનો અહંકાર ? બસ , વાતમાંથી વતેસર થઇ ગયું. આયુષીનું સ્વમાન અને પ્રિયમનો અહમ ટકરાયા. એક નાની વાતે એમના જીવનમાં ઉથલપાથલ કરી દીધી.એક અઠવાડિયામાં તો પ્રિયમે માતાની નાતંદુરસ્તીના બહાને પોતાની કંપનીની અમદાવાદ ઓફિસમાં પોસ્ટીંગ કરાવી લીધું. અમદાવાદ જતી વેળા એ માત્ર એટલુબોલ્યો હતો કે તું જોબ છોડી ત્યાં આવી શકે છે. પ્રિયમને ગયાને પંદર દિવસ પસાર થઇ ગયા હતા. ફોન પર એક-બે વાર માત્ર ઔપચારિક વાતો થઇ. સ્વમાની આયુષીને પ્રિયમની અહંકારી વર્તણુક પર ખુબ ગુસ્સો આવતો હતો.પણ એ વિવશ હતી. એ વિચારતી હતી કે રસ્તા પર દેખાતું ધુમ્મસ તો ધીરે ધીરે ઓગળી રહ્યું છે .પણ જીવનમાં આવી પડેલ આ ખાલીપાનું ધુમ્મસ ક્યારે દુર થશે ? દિલ્હી જેવા શહેરમાં કેટલા દિવસ આમ એકલા રહી શકાશે ? આપણો સમાજ નારીને આર્થિક કે અન્યથા રૂપમાં આત્મનિર્ભર થવાનો અવસર તો આપે છે પણ એકલી રહેતી નારીની વિવશતાનો લાભ ઉઠાવવામાં એટલો જ નિર્મમ હોય છે આ પુરુષ સમાજ ,ખાસ કરીને વિશિષ્ટ વર્ગ. ભદ્ર સમાજમાં પણ નારીમાત્રની સ્થિતિમાં વિવશતા હોય જ છે પરંતુ એ વિવશતા નારીના સંસ્કાર અને પરિસ્થિતિના અનુપાતમાં ક્યાંક ચુપકીથી છુપાઈ રહે છે અને બીજું નારી ,પુરુષોની અપેક્ષા રૂઢીગત સંસ્કારોથી અધિક ગ્રસ્ત હોય છે. નારીની સૌથી મોટી વિવશતા તો છે ગર્ભ ધારણ પણ સ્ત્રી કોઈ પણ ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરે ત્યારે પ્રકૃતિ કે ઈશ્વર દત્ત પોતાના મૂળ ગુણ માતૃત્વ, પ્રેમ, કરુણા અને ક્ષમા ભૂલી શકતી નથી. આયુષીનું મનોમંથન ચાલી રહ્યું હતું, .એક તરફ અંતરમાં વેદના,મસ્તકમાં મુંઝવણ અને આંખોમાં પ્રિયમ તરફ અનાદર હતો તો બીજી તરફ એક વિચાર ચાલી રહ્યો હતો કે સંસારમાં પતિપત્નીના ઝઘડાના પ્રકારો ભલે જ્યાં ત્યાં જુદા જોવા મળે છે પણ તેનું સ્વરૂપ તો એક જ હોય છે. પરિસ્થિતિ પ્રમાણે કોઈ એકે પોતાના સ્વભાવને સહેજ વાળી મચડી લેવામાં જ ભલાઈ.છે નહીં તો મગજમાં રાખેલ ગરમીથી તો સંસાર બળી જાય . મારે શું કરવું ? મારા સ્વમાન અને મારી મહત્વકાંક્ષાનું બલીદાન ? ત્યાં જ અચાનક આયુષીનો હાથ તેના ઉદર ફરી વળ્યો .અને હૈયે ધરબી રાખેલ અશ્રુને એ રોકી ના શકી.આવનાર શિશુના ભવિષ્ય માટે પણ પ્રિયમના અહમ ને પોષવો રહ્યો ? ____અનસુયા દેસાઈ

મને વિચાર આવે છે

મને વિચાર આવે છે
——————–
મને વિચાર આવે છે … કે
હું ચાલ્યા તો કરું છું …..
પણ હું ક્યાં છું ?
આ ભીડ ભરેલા શહેરમાં હું ક્યાંક ખોવાઈ ગઈ છું ,
અને સિર્ફ સળગતી હવાનો શ્વાસ લઇ રહી છું .
હું ચાલુ છું ? ના ! હું તો સંબંધોની તિરાડો વચ્ચે થોડું ખસું છું .
પણ આ માનવ મહેરામણના દરિયા માં
મારા પગની છાપ પણ નજીવી બાબતની જેમ ભુંસાઈ જાય છે.
તો મારી ઓળખ ક્યાં રહી જાય છે ?

મને ફરી વિચાર આવે છે કે ……..
ભીજ્વેલા દાણાની જેમ જીવનની દરેક પળો ને
હું ક્યાં સુધી વાટીશ ? શ્રધ્ધા તો છિન્ન ભિન્ન થઇ રહી છે ,
અંતરના ખૂણે મને એક ડર છે ? કે વહેમ છે ..
હું સંસાર નાળામાં ફસાયેલી નારી છું . …જાણે કે
એવી સ્થિતિમાં છે જે બહાર નીકળવા અસમર્થ છે .
મને બધું જ અસમર્થ લાગે છે ….

પણ વળી ત્યાં વિચાર આવે છે કે ………..
મેં ઈશ્વરને જોયો તો નથી છતાં પણ
જીવન પથ પર એક એક પગ મુકતા મેં એનો
વિચાર કર્યો છે—–ક્યાંક તો એ હશે જ !
એજ મને ક્યારેક બહાર કાઢશે ,
હવે તો બસ એજ વિચાર આવે કે એ જ મને ઉગારશે !
‘અનુ’ એજ મને ઉગારશે !!

@Anu..

તમારી યાદ

તમારી યાદ !

તમારી યાદથી મારી અંદરની
બધી ખાલી જગા મુખરિત થઇ ગઈ એકાએક ,
મને લાગ્યું તમે મને પોકારી રહ્યા છો …
એ પોકારમાં ના કોઈ ઉચ્ચારણ ,
એક શબ્દ પણ ના બોલ્યા તમે …
તો પણ મને લાગ્યું કે સાગર ની ગર્જન કરતાય
પ્રબળ સ્વરે તમે મને કશું કહી રહ્યા છો…..
@anu

છે તમારું ગીત

છે તમારું ગીત

તમે અહીં નથી પણ છે તમારું ગીત
અને એ પ્રવેશી ગયું મારા હ્રદયમાં
હું સાંભળી શકું છું એનું મંજુલ સંગીત …..
સમય ને મેં બાંધી રાખ્યો હતો અને
અંતર માં એક સ્મૃતિ નો તણખો પ્રજ્વલિત રહેતો હતો ….
પરંતુ તમારું ગીત ,
ફાનસ ના મૃદુ પ્રકાશ ના કિરણ ની જેમ
મારા હ્રદય માં પ્રવેશી ગયું
વિચારધારાઓ , રાજકારણ ,મોહ -માયા આ બધું જ હતું
તે ઠરીઠામ થઇ ગયું ….
બસ હવે છે એક તાજા ફૂલ નો છોડ ઓરડના એક ખૂણા માં
જે સદા યાદ અપાવે છે શિશિરઋતુ બદલાય છે વસંત માં …
@Anu…..

ઝરવા દે

હે જીવ !
તું ઘણા ઘણા દિવસથી
ઉઘાડે પગે રસ્તા પર ચાલ્યો નથી .
તું કેટલાય દિવસથી
રડી શક્યો નથી –
તારી આંખ નું પાણી
નર્યું જામેલું મોતી થઇ ગયું છે .
પ્રેમ —
તું એકવાર આક્રંદ ને જોર થી વહેવા દે .
ફક્ત આંખ ના પાણી માં જ નહિ
પ્રત્યેક રોમકૂપ માં
પ્રસ્વેદ બની ને ઝરવા દે તારા અસ્તિત્વને
@Anu..

ના ,હું નહીં મળું ….

ના, હું નહીં મળું

——————–રાત્રીના રસ્તા પરની લાઈટોના પ્રકાશને ચીરતી હોન્ડાસીટી દોડી રહી હતી. અમર શાંતિથી FM પર વાગતી ધૂનો સાંભળતો મોટર હાંકી રહ્યો હતો, .જયારે આરોહીનો વિચારપ્રવાહ અતીત તરફ વેગીલો બની ગયો હતો.ગાડીના હોર્નથી સોસાયટીના વોચમેને દરવાજો ખોલ્યો તો આરોહીની વિચારમાળા તૂટી . .

રાત્રીના અગિયાર થવા આવ્યા હતા .આરોહી-અમર ફ્રેશ થઇ શયનખંડમાં આવ્યા. .થોડી વાતો કરી અમર તુરંત નિંદ્…રાધીન થઇ ગયો. આરોહીને પણ સુઈ જવું હતું. ઊંઘમાં ઓતપ્રોત થઇ જવાની તેની આંખને ઝખના હતી, પણ એના માનસપટ પર પ્રિયેશ ઝબકે છે અને ઊંઘ ઊડી જાય છે.

હજુ પણ એના મનમાં પ્રિયેશનો એક જ પ્રશ્ન ઘૂમરાતો હતો “એક વાર મળીશ?” ચિત્ત વિચારોને ચગડોળે ચડી ગોથાં ખાતું હતું. .સ્મરણપટ પર પ્રિયેશ સાથે વિતાવેલ સાડા ચાર વરસોના પ્રંસગો ચલચિત્રની જેમ ઉપસતા હતા..પ્રિયેશ ઘણીવાર ગાતો રહેતો એ રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાની ગઝલ … “જબ આંચલ રાત કા લહેરાયે ઓર સારા આલમ સો જાયે..તુમ મુજ સે મિલને શમા જલાકર તાજ મહેલમેં આ જાના…” કાનમાં ગુંજતી હતી અને યાદો આંસુ બની આરોહીના ગાલ પર વહી રહ્યા હતા.મન અને મગજનો વાર્તાલાપ ચાલુ હતો .હ્રદયતો વીતી ગયેલી યાદોને ભૂલી જવા કહેતું હતું. પરંતુ જેમ વહેતા પાણીમાં મુકેલા પુષ્પો ઘૂમરી ખાઈને ગોળ ગોળ ફર્યા કરે તેમ પ્રિયેશના સ્મરણો પણ આરોહીના મનોભાવના ચકરાવામાં ઘૂમરી ખાઈ રહ્યા હતા. મન જો વિચાર વંટોળમાં ફંગોળાતું હોય તો નીંદ ક્યાંથી આવે? રાત વિચારોમા પસાર થતી હતી.

પક્ષીઓના કલરવ અને કોયલની કુહુકે પ્રભાતની નેકી પુકારી. અમર તો નિત્યક્રમ પ્રમાણે ઊઠી આરોહીના ઊઠવાની રાહ જોતો અખબાર લઇ બેઠો હતો. આરોહી અનિચ્છાએ ઊઠી. Income tax departmentમાં એ office superintendent હતી અને આજે Audit માટે જવું આવશ્યક હતું. સવારનો નિત્યક્રમ પતાવી બંને ઓફીસ જવા તૈયાર થયા. આરોહીની આંખ પર અનિન્દ્રાનો ભાર સ્પષ્ટ દેખાતો હતો. અમરનું ધ્યાન હતું કે ગઈ કાલ રાત્રીથી આરોહી થોડી વિચારમગ્ન અને બેચેન લાગતી હતી. એણે આરોહીના કપાળ પર હાથ મુકી પૂછ્યું, “આરુ! શું થયું છે? તું કેમ અસ્વસ્થ લાગે છે ? તબિયત ઠીક ના હોય તો રજા લઇ આરામ કર.” આરોહીએ હાથમાં પર્સ લેતા કહ્યું, “આજે તો ઓફીસમાં Audit છે એટલે જવું પડશે. માત્ર થોડું શિરદર્દ છે”….અમર જાણતો કે આરોહી દવા લેવામાં આળસુ છે. તુરંત દવા અને પાણી આપતાં કહ્યું, “ચાલ! આજે હું તને તારી office પર મૂકી જઈશ”.

ગાડીમાં બેસી આરોહી વિચારતી હતી કે અમર પણ કેટલો પ્રેમાળ છે…લગ્ન થયા ત્યારથી મારી કેટલી સંભાળ રાખે છે. અનાયાસે આજે પ્રિયેશ સાથે તુલના કરી રહી હતી ત્યાં જ ગાડીને બ્રેક લાગી અને થંભી .

આરોહીને ઓફીસના ગેઇટ પર ઉતરતાં અમરે કહ્યું …”આરુ! Take Care …શક્ય હોય તો ઘરે જલ્દી પહોંચી આરામ કરજે…..સાંજે મળીશું.” .એમ કહી ગાડી હંકારી મૂકી.ઓફીસમાં આવી એ કાર્યરત થઇ ગઈ. દિનભર કામની વ્યસ્તતામાં મનને વિચારવાનો કોઈ અવકાશ જ ના હતો.સાંજે આરોહી ઘરે આવી ત્યારે અથાગ કામ અને અનિન્દ્રાને કારણે સાચે જ માથું ભારે લાગતું હતું. એ આરામથી બેઠી ત્યાં દરવાજા પર ઘંટડી વાગી. જોયું તો સવાર-સાંજ ઘરનું કામ કરતી મીના આવી હતી. ” મીના! આજે તું વહેલી આવી ગઈ?” દરવાજો ખોલતા જ એણે પૂછ્યું, .” ના, દીદી! આજે તો હું પંદર મિનીટ લેઇટ છું. દીદી! તમારા ગયા બાદ નિરવભાઈનો ફોન હતો. ‘બા’ સાથે ઘણી વાતો કરી . જુઓ તો બા આજે કેટલા ખુશ છે.” …એમ કહી મીના કિચનમાં જઈ કામે વળગીપથારીવશ વૃદ્ધ સાસુ પાસે જઈ પ્રેમથી ખબરઅંતર પૂછી અને દીકરાના ફોનની થોડી વાતો કરી આરોહી ફરી દિવાનખંડમાં આવીને બેઠી. એને દીકરાની યાદ આવી ગઈ .છ માસમાં કેટલું બદલાઈ ગયું હતું. એના ૫૩મા જન્મદિનની પાર્ટીમાં નિરવ એની ફ્રેન્ડ સૌમ્યાને ઘરે લઇ આવ્યો હતો. સૌમ્યા નામ પ્રમાણે જ સુંદર અને શાંત હતી. બીજે દિવસે અમર અને આરોહી સમક્ષ નિરવે સૌમ્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી હતી. પોતાનો ડોક્ટર દીકરો સિર્ફ ગ્રેજ્યુએટ થયેલી સૌમ્યા સાથે લગ્ન કરે એ અમરના વડીલોને પસંદ ના હતું. પણ આરોહીએ અમરને સમજાવી નિરવના લગ્ન કરાવી USA પણ જવા દીધો. પોતાના દીકરાની ખુશીમાં જ એ ખુશ હતી.,આરોહી દીકરાની યાદમાં મશગુલ હતી પણ યાદોની હવા ક્યાંથી ક્યાં લઇ જાય છે? ફરી એને પ્રિયેશની યાદ આવી. પ્રિયેશના વડીલોએ પણ આરોહી સાથે લગ્નની સમંતિ આપી હોત તો?

સાચે જ! મનના સાગર જેવો બીજો કોઈ સમુંદ્ર નહીં હોય. . એમાં સંગ્રહાયેલું એક પછી એક પ્રકટતું થાય ત્યારે મનસાગરની સપાટી હાલકડોલક થવા માંડે છે. ચિત્ત ફરી અસ્વસ્થ થઇ ગયું અને પ્રિયેશને મળવા મન ફરી આતુર થવા લાગ્યું . લગ્ન જીવનના આરંભના વરસોમાં પ્રિયેશની યાદ ખુબ સતાવતી. પણ દીકરા નિરવ માટેનું વાત્સલ્ય, અમર તરફની લાગણી, નોકરી અને સાંસારિક જવાબદારીમાં પ્રિયેશની યાદને આરોહી એ હ્રદયના એક ખૂણે છુપાવી દીધી હતી.

કિચનનું કામ પતાવી અને બાને જમાડી, “દીદી! હું જાવું છું.” એમ કહેતી મીના આવી તો આરોહી ચોંકી ને બેઠી થઇ ગઈ. ઘડિયાળમાં જોયું તો રાતના આઠ થવા આવ્યા હતા. રોજ સાંજે સાત વાગે આવતો અમર કેમ હજુ ના આવ્યો? . વિચારમાં અટવાયેલી ના હોત તો અત્યાર સુધીમાં તો આરોહીએ કેટલાય ફોન કરી દીધા હોત. એને ચિંતા થવા લાગી, ત્યાંતો અમરે ઘંટડી વગાડી . . દરવાજો ખોલતી આરોહીને એણે ત્યાં જ એક ચુંબન આપી દીધું. અંદર આવી એક પેકેટ ભેટ આપતાં વિસ્મિત આરોહીને પોતાના પ્રમોશનની વાત કરી, આરોહીએ પણ અભિનંદન આપી ખુશી વ્યક્ત કરી. બા ને મળી, એના આશીર્વાદ લઇ અમર રાત્રીભોજન માટે આવીને બેઠો.

ભોજન સમયે પણ અમર એના પ્રમોશન, અન્ય અધિકારીઓ દ્વારા મળેલી પ્રસંશા,અભિનંદન ઈત્યાદિની વાતો કરતો રહ્યો . અમર ખુબ ખુશ હતો. ભોજન બાદ શયનખંડમાં જ TV ન્યુઝ ચાલુ કરી આરોહીની રાહ જોતો હતો. આરોહી પ્રવેશી તો અમર એને જોતો જ રહ્યો, ગઈકાલથી બેચેન લાગતી આરોહીને જોઈ એના ચહેરા પર નરમાશ પ્રસરી ગઈ .”આરુ! તું કેમ ચિંતામાં હોય એમ લાગે છે ! તબિયત તો ઠીક છે ને?” આરોહીએ મનની વાત છુપાવતા કહ્યું ..”નિરવની ખુબ યાદ આવે છે. શું USA માં એને ફાવી ગયું હશે? રોજ રાત્રે એ ગરમાગરમ ઉતરતી રોટલી ખાવાથી ટેવાયેલો ..એને સૌમ્યા કેવી રીતે જમાડતી હશે?”

ઓહ … હસતા હસતા અમરે એના હાથ પર પ્રેમથી હાથ મુકતાં કહ્યું …”આરુ! આવી તે કંઈ વ્યર્થ ચિંતા કરવાની હોય? તારો દીકરો કંઈ હવે નાનો નથી..એ તો સૌમ્યા સાથે મોજમસ્તી કરતો હશે ” અહીં આવ કહેતા અમરે પ્રેમથી આરોહીને પોતાના તરફ ખેંચીને એના હોઠ આરોહીના હોઠે ચાંપી દીધા.
દીર્ઘ ચુંબન ની ક્ષણો……અમર નિંદ્રામાં સરી ગયો..પણ આરોહીના આનંદસરોવરમાં ફરી પ્રિયેશની યાદે પથરો નાખી સરોવર હલાવી નાખ્યું. દેહ પ્રેમ નું સાધન છે .પણ પ્રેમનું મૂળ તો અંતરના તાર સાથે જોડાયેલ છે! આરોહીનું મન પ્રિયેશ અને અમરના પ્રેમમાં ખેંચતાણ અનુભવતું હતું. આજ સુધી છુપાયેલી યાદો ફરી ફરી બહાર આવતાં પ્રિયેશને મળવા મન ઝંખતું હતું . અદમ્ય ઈચ્છા થઇ આવી કે એકવાર મળી લઉં. પણ શુ પ્રિયેશની આંખોનો જાદુ નવેસરથી એને હચમચાવશે તો નહીં ? એની આંખોના ઊંડાણમાં ફરી ક્યાંક ખોવાઈ જઈશ તો? હું મારા સંયમમાં અધુરી ઉતરી જઈશ તો?સંવેદનશીલ આરોહી થોડી હચમચી ગઈ…

ત્યાં એની નજર શાંતિથી સુતેલા અમર તરફ ગઈ અને વિચારવા લાગી ….થોડું શ્યામ મુખારવિંદ…પણ એનું મન કેટલું નિર્મળ અને પ્રેમાળ છે! અમર એને કેટલી ઉત્કટતાથી ચાહે છે…..મારા સિવાય એણે કોઈને પ્રેમ કર્યો નથી. આરોહીના મન પર અનેક પ્રશ્નોની ઝડી વરસી પડી .અમરને એના પ્રિયેશ સાથેના પ્રથમ પ્રેમની જાણ થશે તો ? અમરને એના પર કેટલો વિશ્વાસ છે ! ભર યુવાનીના દિવસોમાં પણ અમરે ક્યારેય એની પર શંકા કરી નથી…એ વિશ્વાસ તૂટી જશે તો ? એને કેટલો આઘાત લાગશે ? . આટલા વરસોની લાગણીને કારણે શાયદ એ નફરત ના કરે પણ મારા પ્રત્યેના પ્રેમનું જરૂર અવસાન થઇ જશે ને? …ના હું એનો વિશ્વાસ નહીં તોડું. એને પ્રિયેશથી દૂર થતી વખતે તેઓ બન્નેએ કોઈના જીવનમાં ક્યારેય ના પ્રવેશવાનું આપેલું વચન પણ યાદ આવી ગયું .. ના..હું પ્રિયેશ ને મળવા નહીં જાવું. અમરને સુખ આપવું એજ મારું જીવન કર્તવ્ય છે.અમર પ્રત્યેની વફાદારી અદા કરીશ.. પતિપત્ની નો પરસ્પર વિશ્વાસ અને અખંડસ્નેહ જ જીવન નૌકાને કોઈ પણ મુશ્કેલીથી બચાવે છે….અમર નો પ્રેમ, એનો વિશ્વાસ એજ મારું સર્વસ્વ છે અને દ્રઢ નિર્ધાર સાથે નિંદ્રાધીન અમરના હ્રદય પર હાથ મૂકી મનોગત જાણે વચન આપતાં આરોહી બોલી ઊઠી …”ના, હું નહીં મળું” પ્રિયેશને નહી મળું …

@Anu..

એક વાર મળીશ ?

એક વાર મળીશ ?

________________

સાંજ ઘેરાઈ હતી .અમર ઘરના દીવાનખંડમાં આરામથી ક્રિકેટ નિહાળી રહ્યો હતો . આરોહી બાલ્કનીમાં ઉભી, આથમી ગયેલા સૂર્ય ની લાલિમા નિહાળી રહી હતી.સ્ટ્રીટલાઈટ નો પ્રકાશ આરોહીના અંતરને ના જાણે કેમ ઝંઝોળી રહ્યો હતો. પાડોશીના ટીવી પર જૂનું ફિલ્મી ગીત ” કિસી ને અપના બનાકે મુજ કો મુસ્કુરાના શીખા દિયા” વાગી રહ્યું હતું. સાંભળતા જ … એના હોઠ પર દર્દ ભર્યું સ્મિત આવી ગયું અને ત્રીસ વર્ષ થી હ્રદયમાં દફનાઈ ગયેલી સ્મૃતિઓ જાગી ઉઠી . .

આ ગીત કોલેજના દિવસોમાં નિરંતર એ મનમાં ગાતી રહેતી …અરે વાગોળતી જ રહેતી. એક દિવસ ચાલુ ક્લાસે મનમાં મરક્તી આરોહીને સખી રીનાએ પૂછ્યું પણ ખરું કે આરોહી તારું ધ્યાન ક્યાં છે? શું હસે છે?આજે યોંવનના પગથીયે પગ મુકતા જોયેલા સ્વપ્નો ફરી તાજા થઇ ગયા .એને પ્રિયેશની યાદ આવી ગઈ .થોડા વાંકળિયા વાળવાળો ગોરો ચહેરો નજર સમક્ષ રમવા લાગ્યો. .અત્યારે એ શું કરતો હશે? શું એને પણ મારી યાદ આવતી હશે?ડૂબી ગયેલી સાંજના ઠંડા પવને એના અતીતનો દરવાજો ખોલી નાખ્યો . પ્રિયેશ એન્જીન્યરીંગ કોલેજમાં હતો . રીનાને મળવા આવનાર એના ભાઈ મુકેશ સાથે આરોહીની કોલેજમાં ઘણીવાર આવતો . …..એક દિવસ આરોહી કોલેજના બગીચામાં સખીવૃન્દ સાથે બેસી મજાકમસ્તી કરતી હતી. નજીક જ પડતી કોલેજની બારીમાં બેસી પ્રિયેશ આ મસ્તી માણતો આરોહીને નિહાળતો હતો .આરોહી નું ધ્યાન જતા એ પણ સખીઓથી નજર ચુરાવી એને જોઈ લેતી હતી. પ્રિયેશ ત્યાંથી મલકાતો હતો. ધીરે ધીરે આવો ક્રમ બની ગયો હતો . કલાસમાં ચાલતા લેકચરમાં કાલિદાસના “અભિજ્ઞાન શાકુંતલમ્”, “વિક્રમોર્વર્શીયમ્” કે માઘના મહાકાવ્ય શિશુપાલવધના નાયકમાં આરોહીને મલકતો પ્રિયેશ જ દેખાતો.પરીક્ષા નજીક આવી રહી હતી. સૌ સખીઓ ક્લાસમાં હતી. આરોહીને એક પ્રશ્નના ઉત્તર લખવાના સંદર્ભમાં એક બુક જોઈતી હોય એ લાયબ્રેરી તરફ નીકળી .બુક લઇ હજુ વાંચવાનો પ્રયાસ કરતી હતી ત્યાં બાજુ માં પ્રિયેશ એક બુક લઇ બેસી ગયો. એનું દિલ એક ધડકન ચુકી ગયું .રોજ એને જોઈ મલકતાં ચહેરે કહ્યુ ..” હું પ્રિયેશ ” આરોહીનું ગળું હોઠ જ સુકાઈ ગયા અને મહાપ્રયત્ને બોલી ‘ હું જાણું છું ‘ એના વ્યક્તિત્વથી અંજિત એ ઉભી થઇ ગઈ. પ્રિયેશે પ્રેમથી હાથ પકડી ફરી બેસાડી અને કહ્યું . એક વાત સાચી કહું છું માનશો ? પ્રિયેશના પ્રથમ સ્પર્શથી રોમાંચિત આરોહીએ તુરંત સુધાર્યું…માનશો નહી પણ માનશે ? કહેવું વધુ ઠીક લાગશે, સાંભળી પ્રિયેશના મુખ પર એક મોહક સ્મિત ફરી વળ્યું અને કહ્યું ઘણા દિવસથી આંકાક્ષા હતી કે મારી મનગમતી વ્યક્તિ ને હું એકાંતમાં મળું અને કઈ પણ કહ્યા વગર જ મારા દિલની ઉર્મીઓને એ સમજે અને અનુભવી શકે . આરોહી ! તું સમજે છે ને? એ તો ખુબ રોમાંચિત હતી .. મીઠી મુસ્કાન એનો ઉત્તર હતો. પછી તો બંને મિત્રવૃંદથી બહાના કાઢી વાંચવાના બહાને લાયબ્રેરીની નિરવ શાંતિમાં નિ:શબ્દ એકબીજાને નીરખતા બેસતા. કયારે ચુપકીદી જ વાચાળ બની જતી. પણ અભ્યાસ પર ક્યારે ય અસર થવા દેતા નહીં.

સામાજીક નીતિબધ્ધતાને કારણે ખુલ્લેઆમ મળી શકાતું નહીં પણ આંખોના ઈશારાથી ઘણી વાતો કરતા. સમય ક્યાં પસાર થઇ ગયો એ યાદ જ ના રહ્યું. પ્રિયેશનું એન્જીન્યરીંગ પૂર્ણ થયું. પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થઇ ગયો…ખુશીનો કોઈ પાર ના હતો. અને સારી જોબની ઓફર મળતા એ જોઈન્ટ થઇ ગયો. આરોહી પણ સ્નાતક થઇ ગઈ.

પ્રિયેશના ઘરમાં આ ડીગ્રી નાની લાગશે સમજી એણે પોતાના ઘરમાં મનાઈ થતા થોડી સમજાવટ કરી અનુસ્નાતક થવા પાર્ટ ટાઇમ લેકચર એટેન્ડ કરવા બીજા શહેરમાં જવા લાગી. આ શહેરમાં કોઈ પરિચિત મળવાનો ડર ના હતો.શનિ-રવિવારના દિવસોમાં બંનેનું મિલન થીયેટર કે હોટલ કે કોલેજ માં થતું … એકબીજાના થઇ રહેવાના મસ્ત સ્વપ્નો જોતા સમય પસાર થતો હતો.કિન્તુ તે દિવસે પ્રિયેશ ખુબ અશાંત લાગતો હતો. એને ઘણું કહેવું હતું પણ ચુપ હતો. આરોહીએ મૌન તોડ્યુ .. ” પ્રિયેશ કઈ તો બોલ. શું થયું છે ? ” તો એણે ખુબ ધીર ગંભીર સ્વરે કહ્યુ ‘ આરોહી ચાલ આપણે ક્યાંક ભાગી ને લગ્ન કરી લઈએ ” સાંભળી એ ખુબ હતપ્રભ થઇ ગઈ બોલી ” કેમ શું થયું ? ”

પ્રિયેશની બહેનના લગ્નની ખરીદી ચાલી રહી હતી. પ્રિયેશ પર પણ લગ્નનું દબાણ થઇ રહ્યું હતું . પ્રિયેશે જણાવ્યું કે સામાજિક મોભાને કારણે એના ઘરના વડીલો એ સ્પષ્ટ કહી દીધું હતું કે ” તારી બહેનના લગ્નમાં વિઘ્નરૂપ થાય એવું કોઈ કાર્ય કરીશ નહી.અમારી પ્રતિષ્ઠા નું ધ્યાન રાખજે ” પ્રિયેશના વડીલો એ થોડામાં ઘણું કહ્યું હતું, એ આરોહી સમજી ગઈ . પ્રિયેશની અનેક વિનંતી છતાં આરોહી વડીલોના આત્મસન્માન ને ઠેસ પહોચાડી લગ્ન કરવા તૈયાર ના થઇ. તે સમયે આવા લગ્ન કરવા કેટલું કઠીન હતું? સામાજિક પ્રતિભાવો અને પરિણામ આરોહી સમજતી હતી. એણે પ્રિયેશને ઘણો સમજાવ્યો …સંસારને જીતવો સહેલો નથી. વડીલોની મરજી વિરુધ્ધના લગ્ન કરી સંસાર શરુ કરવાથી સુખચૈનથી જીવી શકાશે નહીં…. પણ પ્રિયેશે ઘણી વિનવણી કરી. આરોહીનું મન મુઝવણના ભાર નીચે દબાઈ ગયું. પણ એને માં-બાપે આપેલા સંસ્કારે રોકી લીધી અને એણે સામાજિક માનમર્યાદા ના પલડાને નમાવી દીઘું.

આરોહી એ પરિસ્થિતિનો મુકાબલો કરવાને બદલે અલગાવ કેમ સ્વીકારી લીધો? આરોહી જાણતી હતી કે લગ્ન એટલે સિર્ફ પતિ – પત્ની નો સંબંધ નહીં પણ બે ઘર અને સમાજ સાથેનું પણ જોડાણ છે. પ્રિયેશે અંતરમાં અપાર વેદના અને આંસુ ભરેલ આંખથી એની આંખો માં જોયું .આરોહીની આંખ કોઈ ઊંડા અથાગ જળાશય જેવી લાગતી હતી. હૈયામાં ઉદભવેલા ભાવોનું દર્શન થતું ના હતું. એ હચમચી ગયો. સંયમનું આવરણ તૂટી ગયું. આરોહીને ગળે લગાવી દીધી તો બંનેની આંખોમાંથી જાણે સાત સમુદ્રના મોજા ઉછળ્યા. શાંત થતા ફરી કિનારે આવ્યા .સત્ય સમજાયું. બંનેના જીવનમાં કોઈ ઝંઝાવાત ના આવે માટે કયારેય એકબીજાના જીવનમાં ના આવવું કે ના ઝાંખવુંના પરસ્પર સંમતિથી વચન આપ્યા . એકબીજા ને સુખીજીવનની શુભેચ્છા આપી.

બન્ને ને એકબીજાથી દૂર તો ક્યાં જવું હતું ? પણ ભાગ્ય આગળ ક્યાં કોઈનું ચાલે છે? હ્રદય પર અંકિત મૂર્તિ ભૂંસી કદી ભુસાવાની નથી જાણતા હોવા છતાં એક પડદો પાડી દીધો અને બીજાઓથી અજાણ્યો એવો અનોખો પ્રેમ ક્યાંક છુપાઈ ગયો. ટ્રેઈન આવવાનો સમય થઇ ગયો હતો..બીજી ટ્રેનનો સમય તો રાત્રે ૧૧ નો હોય સમયસર ઘરે પણ પહોચવાનું હતું ને ! બંને ઉભા થયા . હોટલમાં instrumental music પર સંજોગવસાત “આંસુભરી હૈ યે જીવન કી રાહે …કોઈ ઉનસે કહ્દો હંમે ભૂલ જાયે” વાગી રહ્યું હતું.

આરોહી વિચારવા લાગી ભૂલી જજો કહેવાથી કોઈને ભૂલી શકાય છે?

આખરી મિલન ..પ્રિયેશે જતા જતા ફરી એક વાર આરોહીના ખભે હાથ મુક્યો.. આંખ સજળ થઇ.

આરોહીને પ્રિયેશનો આખરી પ્ર્રેમભર્યો સાંત્વનનો સ્પર્શ થઈ રહ્યો છે એવું લાગ્યું..આ તો અમરે ધીરેથી આવી આરોહીના ખભે હાથ મૂકી પૂછ્યું. આરુ ! શું કરે છે અહીં ? તારી સખી રીનાના દીકરાના લગ્નમાં નથી જવું ? અમરના સાદે એની તંદ્રા તૂટી.

.

આરોહી અમર સાથે લગ્નસમાંરભમાં આવી. વ્યસ્ત રીનાને મળી પણ વધારે વાત ના થઇ. dinner લઇ એક જગ્યાએ બેસી લગ્ન વિધિ જોઈ રહી હતી. અમર એના કોઈ પરિચિત સાથે વાતોમાં મગ્ન હતો. ત્યાં પાછળથી એક અવાજ આવ્યો “આરોહી ” . એનું હ્રદય આજે ધબકારો ચુક્વાને બદલે જાણે બંધ થઇ ગયું. વર્ષો પછી એજ અવાજ… પાછળ જોયું, એજ સ્મિત.

સાંજ થી મન અતીતમાં ફરતું હતું .વ્યાકુળ તો હતું જ ત્યાં આ કેવો સંજોગ? આરોહીની આંખ સજળ થઇ ગઈ. કેટલા વરસો પછી આજે એને જોયો હતો. અશ્રુ રોકવાના પ્રયાસમાં ઉત્તર આપવાની હિમ્મત ક્યાં હતી.? અશ્રુબંધન તૂટી ના પડે માટે એ અમરની બાજુ માં જઈ બેસી ગઈ. પ્રિયેશ કોલેજના દિવસોની જેમ અપલક નજરે જોતો રહ્યો. આજે આરોહીની મસ્તી નહીં પણ માનો એના દામ્પત્ય જીવનની ચકાસણી કરતો ના હોય ?

આરોહીને પણ એને દિલ ભરી જોવો હતો..મળવું હતું…પણ એક ડર હતો કે આંસુઓ બંધ તોડી નાખશે તો? અમરને શું જવાબ આપશે? આરોહી મુઝાઇ, ગભરાઈ .અને તુરંત પત્નીત્વની ગરિમા ને જાળવવા દ્રઢતાથી અમરનો હાથ પકડી કહ્યુ ચાલો હવે ઘર જઈએ અને મંડપની બહાર જવા પ્રયાણ કર્યું.અમર ગાડી લેવા આગળ વધ્યો તો ફરી એજ અવાજ.. “આરોહી ! એક વાર મળીશ? “આરોહી શું કહે ? ઉત્તર આપવાની હિમ્મત એકઠી કરવાનો પ્રયાસ કરે ત્યાંતો અમર ગાડી લઇ આવી પહોચ્યો. .આરોહી જતા જતા પ્રિયેશ ને પ્રેમભરી નજરે જોવાની ઈચ્છાને દબાવી ના શકી .

આરોહી ‘‘એક વાર મળીશ? “ નો ઉત્તર આજે પણ શોધે છે.