ગરીબ

ગરીબ

ગરીબને ગરીબાઈ કેવા દિવસો દેખાડી જાય છે ?
વગર ચિંતાએ તોયે પરિશ્રમ કરતો જાય છે !

હાલતા ચાલતા ફિટકાર સાંભળતો જાય છે ,
ક્યારેક મનમાં એ પણ ગુસ્સે થતો જાય છે !

ગરીબાઈનો દોષ પોતાની જાતને આપી જાય છે,
લાચારી દામનમાં છુપાવી મુસ્કાન આપી જાય છે !

ક્યારેક આબરૂ જાહેરમાં લીલામ થઇ જાય છે ,
ક્યારેક બહેન-દીકરીની ઈજ્જત લુટાઈ જાય છે !

વ્યથિત થતો ધનિકો સામે અસહાય થઈ જાય છે ,
વિવશતામાં જીવન જીવવા મજબુર બની જાય છે !

@Anu

ગૃહ સ્વામીની

ગૃહસ્વામીની
સાંજના હજુ છ નો સમય થયો હતો, પણ જાણે આકાશમાંથી અંધારું નીચે ઉતરતું હતું. કાળા કાળા વાદળોને કારણે સાંજ ખુબ ભયાનક લાગતી હતી. વરસાદ તૂટી પડે એ પહેલા શરદે ઘર પહોચી જવું હતું. પત્ની સરિતાને ત્રીજું સંતાન અવતરવાનો સમય નજીકમાં હતો. સવારે સરિતાની તબિયત નરમ હોય એવુ લાગ્યું હતું. પણ બપોરે સરિતાએ કહ્યું કે હું ઠીક છું .કોઈ તકલીફ નથી. કાલે ડોક્ટર પાસે જઈ આવીશું. રાધા ઘરમાં હતી તો થોડું કામ પતાવવા નચિંત શરદ બે-ત્રણ  કલાક માટે બહાર ગયો હતો. વરસાદની ઋતુમાં ગામડાઓમાં ફોન જલ્દી બંધ થઇ જતા હોય છે .

શરદે ત્વરિત ઘર તરફ જવા પગ ઉપાડ્યા.. ઉંબરો ચડતા જ કોઈ અકળ શાંતિ જેવું લાગ્યું.. બહાર  વરસાદ ચાલુ થઇ ગયો હતો. ઘરમાં પ્રવેશતા  સંજીવ દોડતો પાપાને ભેટી રડતો બોલ્યો , “ પાપા ! મમ્મીને કશું થયું છે .એ અમારી સાથે બોલતી નથી.તમે કહો ને મારી સાથે બોલે .રાધા આંટી પણ ચુપચાપ રડે છે. શરદ કશું સમજે કે બોલે ત્યાં રાધાએ આવી શરદને પાણી આપતા હાથ ઝાલી સરિતા પાસે લઇ જઈ બેસાડ્યો.  શરદનો હાથ નિર્જીવ સરિતાના માથે ફરતો રહ્યો  . બે-ત્રણ કલાકમાં આ શું થઈ  ગયું ? એ કશું  બોલવાની  સ્થિતિમાં હતો જ  નહીં .  એ શૂન્યમનસ્ક થઈ ગયો હતો.

પાંચ વર્ષનો સંજીવ, ત્રણ વષનો રાજીવ ત્યાં જ ત્રીજી પુત્રીનું આગમન થયું . ડોક્ટર પાસે જવાનો કે બોલાવવાનો સમય પણ ના મળ્યો અને પુત્રીનો જન્મ આપતા જ સરિતાએ અચાનક દુનિયામાંથી ચિરવિદાય લઇ લીધી હતી. . નાનકડી બેનનું આગમન  અને માતાનું ગમન સમજે એટલી સમજ બાળકોમાં હતી નહીં. બહાર વરસાદે જોર પકડ્યું હતું . ધોધમાર વરસાદ, બેપુત્રો સાથે નવજાત બાળકીનું રુદન , સરિતાનો નિર્જીવ દેહ—-આ બધું શરદ ફાટી આંખે જોઈ રહ્યો .શું કરવું ? સમજાતું ના હતું .એ રઘવાયો  બની ગયો .હવે એ આંખોમાંથી આંસુ રોકી ના શક્યો. વરસાદ સાથે રાત્રીનો અંધકાર પણ ભળ્યો હતો. શરદને લાગતું હવે એના જીવનમાં પણ અંધકાર છવાઈ ગયો છે. રાધાએ શરદ પાસે આવી, થોડી ચુપકીદી પછી બાળકોને ગોદમાં લેતા શરદને આશ્વાસ આપ્યો. બાળકો તો રડીને સુઈ ગયા .રાધા અને શરદ વરસાદ બંધ થવાની અને સવાર થાય એની રાહ જોવા લાગ્યા.

સવાર થઇ. સગાં સંબધી આવતા વિધિવત ક્રિયાવિધિઓ પૂરી કરવામાં આવી . જનાર તો ચાલ્યા જાય છે પણ બાકીના ઘરવાળાઓએ તો જિંદગી જીવવી જ રહી ને ? ધીરે ધીરે સમય પસાર થતો હતો . બાળકીનું નામ મોના રાખવામાં આવ્યું.

અણસમજુ સંજીવ, રાજીવ અને નાનકડી મોનાની સંભાળ લેવી શરદ માટે દુષ્કર હતું. એ મુંઝાતો , પણ રાધા , એના માટે મોટો સહારો હતી. ઘરની સંભાળ તો એ પહેલા પણ રાખતી હતી પણ હવે તો બાળકોની પણ સંભાળ રાખવા લાગી હતી. એ શરદને ચિંતા મુક્ત રાખતી. શરદ વિચારતો  કે રાધા ના હોત તો ? ઘર અને બાળકોનું શું થાત ? .

રાધા એના ઘરમાં એક કુટુંબીજન જેવી હતી. શરદના પિતાના સમયથી એના પરિવારમાં મોટી થઇ હતી. રાધા અણસમજુ હતી ત્યારે એના  માતા-પિતા એક ટ્રક અકસ્માતમાં માર્યા ગયા હતા. રાધાના પિતા શારદાના પિતાના દુરના સંબંધી અને મિત્ર જેવા હતા. અનાથ રાધા ને શરદના પિતાએ પોતાના પરિવાર સમાવી લીધી હતી. આ સમાવેશ એવો ઔદાર્યપૂર્ણ હતો કે સો કોઈ ભૂલી ગયા હતા કે રાધા બીજા પરિવારની છે. શરદ કરતા એ  ત્રણ ચાર વર્ષ નાની હતી.

શરદ યુવાન થયો. ત્યારે એના મનમાં રાધા પ્રત્યે લાગણી પ્રગટી હતી પણ શરદના પિતા રાધાને પુત્રી જ માનતા હોય શરદે પોતાના મનની વાત કોઈને ના કહેતા હ્રદયના ઊંડા તળીયે સમાવી દીધી હતી . શરદના લગ્ન થયા. સુંદર સમજદાર પત્ની ,બાળકોથી ઘર આનંદથી છલકાતું થયું. શરદના માતા-પિતા પણ કાળક્રમે દુનિયા છોડી ગયા. રાધા ઘરની જવાબદારી સંભાળતી પણ સરિતા ઘરની સ્વામીની છે એ વાતને ક્યારેય આંચ આવવા દીધી નહીં, રાધાએ સરિતાને કહ્યું હતું કે ‘ મારે તમને  સૌને છોડી ક્યાંય નવું ઘર વસાવવા જવું નથી’ . એની સમજદારી , પ્રેમાળ સ્વભાવથી સરિતા પણ પ્રસન્ન રહેતી.

પરંતુ અચાનક પરિસ્થિતિ બદલાઈ ગઈ. સરિતા ત્રણ સંતાનોને મૂકી અનંતની યાત્રાએ ચાલી ગઈ. રાધા અત્યાર સુધી બાળકોની કાળજી લેતી , હવે એણે નાદાન બાળકોની સ્વયં.’માં ‘બની રહેવા નિર્ધાર કર્યો.

શરદ રોજ રાધાની , બાળકો અને ઘરના કામકાજ માટેની દોડધામ જોતો. વીસ-એકવીસ વરસની આયુએ જોયેલી અને દાટી દીધેલી સ્વપ્નસૃષ્ટી થોડી સળવળી ઉઠી પણ આ વખતે હ્રદયમાં કિશોરાવસ્થા જેવી કોઈ પ્રેમગીતની ધૂન નહીં પણ સવારે મંદિરમાં થતી આરતીના ઘંટનાદ જેવી લાગણી ઉત્પન્ન થઇ.

ખુબ વિચારી એક દિવસ હળવેથી વાત કરતા એણે કહ્યું , “ રાધા ! “
રાધાએ નાનકડી મોનાને ફ્રોક પહેરાવતા શરદ સામે જોયું. પણ એ ચુપ રહ્યો. એ તુરંત બોલી ના શક્યો . “ શરદ તારે કઈ કહેવું છે ? “ રાધાએ પૂછ્યું ,  તો શરદે કહ્યું : “ હા ! “
રાધા બોલી , “શું વાત છે ? મને કહેવામાં તારે કેમ આજે વિચારવું પડે છે  ? “
શરદ અચકાતા બોલ્યો , “ રાધા “ તું આ ઘરની સાચી ગૃહસ્વામીની બની જા.”  રાધા સ્તબ્ધ બની ગઈ .પછી એક ઊંડો શ્વાસ લેતા બોલી ,  “ શરદ ! તારી લાગણી માટે મને માન છે., પણ તું મને સમજવા કોશિશ કરીશ ? ” શરદ તુરંત વચ્ચે બોલી પડ્યો , “ રાધા ! તું હા પડશે તો મને ગમશે. પણ જો તારી ના હશે તો એક સપનું માની ભૂલી જઈશ .”

રાધા શાંતિથી બોલી , “ તો સાંભળ , આ ઘર સિવાય મારું કોઈ બીજું ઘર હોય એવી મેં કલ્પના પણ કરી નથી . વરસોથી  હું અહી રહું છું અને સૌને મેં હમેશા મારા પોતાના માન્યા છે. હું બધાથી જુદી છું .એવો વિચાર કર્યો નથી . “ શરદથી અધીરાઈથી પૂછી બેઠો , “ તો પછી શું ? “  શરદના ખભા પર હાથ મુકતા એ બોલી , “ શરદ ! આ ઘર સાથે જોડાયેલી લાગણીઓ અને મારા પ્રેમને એવી જ અકબંધ રહેવા દે . લગ્નનું લેબલ ના લગાવીશ . મારો સાથ, સહકાર, સમર્થન અને નિર્મળ પ્રેમ બધું તારી સાથે જ છે. મને આવી જ રીતે જિંદગી પૂરી કરવા દે .” કહી એ રડી પડી . શરદ ફરી કંઇ બોલે તે પહેલા એ મોનાને પ્લેગ્રુપમાં મુકવા જવા બહાર નીકળી ગઈ . શરદ સાદર અને સ્નેહથી એને દૂર સુધી જોતો રહ્યો…

………અનસુયા દેસાઈ …મુંબઈ

yad aati hai

मै यादों का किस्सा खोलूँ तो,

कुछ दोस्त बहुत याद आते हैं.

मै गुजरे पल को सोचूँ तो,

कुछ दोस्त बहुत याद आते हैं.

अब जाने कौन सी नगरी में,

आबाद हैं जाकर मुद्दत से.

मै देर रात तक जागूँ तो ,

कुछ दोस्त बहुत याद आते हैं.

कुछ बातें थीं फूलों जैसी,

कुछ लहजे खुशबू जैसे थे,

मै शहर-ए-चमन में टहलूँ तो,

कुछ दोस्त बहुत याद आते हैं.

वो पल भर की नाराजगियाँ,

और मान भी जाना पलभर में,

अब खुद से भी मैं रूठूँ तो,

कुछ दोस्त बहुत याद आते हैं…

CP