ના ,હું નહીં મળું ….

ના, હું નહીં મળું

——————–રાત્રીના રસ્તા પરની લાઈટોના પ્રકાશને ચીરતી હોન્ડાસીટી દોડી રહી હતી. અમર શાંતિથી FM પર વાગતી ધૂનો સાંભળતો મોટર હાંકી રહ્યો હતો, .જયારે આરોહીનો વિચારપ્રવાહ અતીત તરફ વેગીલો બની ગયો હતો.ગાડીના હોર્નથી સોસાયટીના વોચમેને દરવાજો ખોલ્યો તો આરોહીની વિચારમાળા તૂટી . .

રાત્રીના અગિયાર થવા આવ્યા હતા .આરોહી-અમર ફ્રેશ થઇ શયનખંડમાં આવ્યા. .થોડી વાતો કરી અમર તુરંત નિંદ્…રાધીન થઇ ગયો. આરોહીને પણ સુઈ જવું હતું. ઊંઘમાં ઓતપ્રોત થઇ જવાની તેની આંખને ઝખના હતી, પણ એના માનસપટ પર પ્રિયેશ ઝબકે છે અને ઊંઘ ઊડી જાય છે.

હજુ પણ એના મનમાં પ્રિયેશનો એક જ પ્રશ્ન ઘૂમરાતો હતો “એક વાર મળીશ?” ચિત્ત વિચારોને ચગડોળે ચડી ગોથાં ખાતું હતું. .સ્મરણપટ પર પ્રિયેશ સાથે વિતાવેલ સાડા ચાર વરસોના પ્રંસગો ચલચિત્રની જેમ ઉપસતા હતા..પ્રિયેશ ઘણીવાર ગાતો રહેતો એ રાજેન્દ્ર મહેતા અને નીના મહેતાની ગઝલ … “જબ આંચલ રાત કા લહેરાયે ઓર સારા આલમ સો જાયે..તુમ મુજ સે મિલને શમા જલાકર તાજ મહેલમેં આ જાના…” કાનમાં ગુંજતી હતી અને યાદો આંસુ બની આરોહીના ગાલ પર વહી રહ્યા હતા.મન અને મગજનો વાર્તાલાપ ચાલુ હતો .હ્રદયતો વીતી ગયેલી યાદોને ભૂલી જવા કહેતું હતું. પરંતુ જેમ વહેતા પાણીમાં મુકેલા પુષ્પો ઘૂમરી ખાઈને ગોળ ગોળ ફર્યા કરે તેમ પ્રિયેશના સ્મરણો પણ આરોહીના મનોભાવના ચકરાવામાં ઘૂમરી ખાઈ રહ્યા હતા. મન જો વિચાર વંટોળમાં ફંગોળાતું હોય તો નીંદ ક્યાંથી આવે? રાત વિચારોમા પસાર થતી હતી.

પક્ષીઓના કલરવ અને કોયલની કુહુકે પ્રભાતની નેકી પુકારી. અમર તો નિત્યક્રમ પ્રમાણે ઊઠી આરોહીના ઊઠવાની રાહ જોતો અખબાર લઇ બેઠો હતો. આરોહી અનિચ્છાએ ઊઠી. Income tax departmentમાં એ office superintendent હતી અને આજે Audit માટે જવું આવશ્યક હતું. સવારનો નિત્યક્રમ પતાવી બંને ઓફીસ જવા તૈયાર થયા. આરોહીની આંખ પર અનિન્દ્રાનો ભાર સ્પષ્ટ દેખાતો હતો. અમરનું ધ્યાન હતું કે ગઈ કાલ રાત્રીથી આરોહી થોડી વિચારમગ્ન અને બેચેન લાગતી હતી. એણે આરોહીના કપાળ પર હાથ મુકી પૂછ્યું, “આરુ! શું થયું છે? તું કેમ અસ્વસ્થ લાગે છે ? તબિયત ઠીક ના હોય તો રજા લઇ આરામ કર.” આરોહીએ હાથમાં પર્સ લેતા કહ્યું, “આજે તો ઓફીસમાં Audit છે એટલે જવું પડશે. માત્ર થોડું શિરદર્દ છે”….અમર જાણતો કે આરોહી દવા લેવામાં આળસુ છે. તુરંત દવા અને પાણી આપતાં કહ્યું, “ચાલ! આજે હું તને તારી office પર મૂકી જઈશ”.

ગાડીમાં બેસી આરોહી વિચારતી હતી કે અમર પણ કેટલો પ્રેમાળ છે…લગ્ન થયા ત્યારથી મારી કેટલી સંભાળ રાખે છે. અનાયાસે આજે પ્રિયેશ સાથે તુલના કરી રહી હતી ત્યાં જ ગાડીને બ્રેક લાગી અને થંભી .

આરોહીને ઓફીસના ગેઇટ પર ઉતરતાં અમરે કહ્યું …”આરુ! Take Care …શક્ય હોય તો ઘરે જલ્દી પહોંચી આરામ કરજે…..સાંજે મળીશું.” .એમ કહી ગાડી હંકારી મૂકી.ઓફીસમાં આવી એ કાર્યરત થઇ ગઈ. દિનભર કામની વ્યસ્તતામાં મનને વિચારવાનો કોઈ અવકાશ જ ના હતો.સાંજે આરોહી ઘરે આવી ત્યારે અથાગ કામ અને અનિન્દ્રાને કારણે સાચે જ માથું ભારે લાગતું હતું. એ આરામથી બેઠી ત્યાં દરવાજા પર ઘંટડી વાગી. જોયું તો સવાર-સાંજ ઘરનું કામ કરતી મીના આવી હતી. ” મીના! આજે તું વહેલી આવી ગઈ?” દરવાજો ખોલતા જ એણે પૂછ્યું, .” ના, દીદી! આજે તો હું પંદર મિનીટ લેઇટ છું. દીદી! તમારા ગયા બાદ નિરવભાઈનો ફોન હતો. ‘બા’ સાથે ઘણી વાતો કરી . જુઓ તો બા આજે કેટલા ખુશ છે.” …એમ કહી મીના કિચનમાં જઈ કામે વળગીપથારીવશ વૃદ્ધ સાસુ પાસે જઈ પ્રેમથી ખબરઅંતર પૂછી અને દીકરાના ફોનની થોડી વાતો કરી આરોહી ફરી દિવાનખંડમાં આવીને બેઠી. એને દીકરાની યાદ આવી ગઈ .છ માસમાં કેટલું બદલાઈ ગયું હતું. એના ૫૩મા જન્મદિનની પાર્ટીમાં નિરવ એની ફ્રેન્ડ સૌમ્યાને ઘરે લઇ આવ્યો હતો. સૌમ્યા નામ પ્રમાણે જ સુંદર અને શાંત હતી. બીજે દિવસે અમર અને આરોહી સમક્ષ નિરવે સૌમ્યા સાથે લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરી હતી. પોતાનો ડોક્ટર દીકરો સિર્ફ ગ્રેજ્યુએટ થયેલી સૌમ્યા સાથે લગ્ન કરે એ અમરના વડીલોને પસંદ ના હતું. પણ આરોહીએ અમરને સમજાવી નિરવના લગ્ન કરાવી USA પણ જવા દીધો. પોતાના દીકરાની ખુશીમાં જ એ ખુશ હતી.,આરોહી દીકરાની યાદમાં મશગુલ હતી પણ યાદોની હવા ક્યાંથી ક્યાં લઇ જાય છે? ફરી એને પ્રિયેશની યાદ આવી. પ્રિયેશના વડીલોએ પણ આરોહી સાથે લગ્નની સમંતિ આપી હોત તો?

સાચે જ! મનના સાગર જેવો બીજો કોઈ સમુંદ્ર નહીં હોય. . એમાં સંગ્રહાયેલું એક પછી એક પ્રકટતું થાય ત્યારે મનસાગરની સપાટી હાલકડોલક થવા માંડે છે. ચિત્ત ફરી અસ્વસ્થ થઇ ગયું અને પ્રિયેશને મળવા મન ફરી આતુર થવા લાગ્યું . લગ્ન જીવનના આરંભના વરસોમાં પ્રિયેશની યાદ ખુબ સતાવતી. પણ દીકરા નિરવ માટેનું વાત્સલ્ય, અમર તરફની લાગણી, નોકરી અને સાંસારિક જવાબદારીમાં પ્રિયેશની યાદને આરોહી એ હ્રદયના એક ખૂણે છુપાવી દીધી હતી.

કિચનનું કામ પતાવી અને બાને જમાડી, “દીદી! હું જાવું છું.” એમ કહેતી મીના આવી તો આરોહી ચોંકી ને બેઠી થઇ ગઈ. ઘડિયાળમાં જોયું તો રાતના આઠ થવા આવ્યા હતા. રોજ સાંજે સાત વાગે આવતો અમર કેમ હજુ ના આવ્યો? . વિચારમાં અટવાયેલી ના હોત તો અત્યાર સુધીમાં તો આરોહીએ કેટલાય ફોન કરી દીધા હોત. એને ચિંતા થવા લાગી, ત્યાંતો અમરે ઘંટડી વગાડી . . દરવાજો ખોલતી આરોહીને એણે ત્યાં જ એક ચુંબન આપી દીધું. અંદર આવી એક પેકેટ ભેટ આપતાં વિસ્મિત આરોહીને પોતાના પ્રમોશનની વાત કરી, આરોહીએ પણ અભિનંદન આપી ખુશી વ્યક્ત કરી. બા ને મળી, એના આશીર્વાદ લઇ અમર રાત્રીભોજન માટે આવીને બેઠો.

ભોજન સમયે પણ અમર એના પ્રમોશન, અન્ય અધિકારીઓ દ્વારા મળેલી પ્રસંશા,અભિનંદન ઈત્યાદિની વાતો કરતો રહ્યો . અમર ખુબ ખુશ હતો. ભોજન બાદ શયનખંડમાં જ TV ન્યુઝ ચાલુ કરી આરોહીની રાહ જોતો હતો. આરોહી પ્રવેશી તો અમર એને જોતો જ રહ્યો, ગઈકાલથી બેચેન લાગતી આરોહીને જોઈ એના ચહેરા પર નરમાશ પ્રસરી ગઈ .”આરુ! તું કેમ ચિંતામાં હોય એમ લાગે છે ! તબિયત તો ઠીક છે ને?” આરોહીએ મનની વાત છુપાવતા કહ્યું ..”નિરવની ખુબ યાદ આવે છે. શું USA માં એને ફાવી ગયું હશે? રોજ રાત્રે એ ગરમાગરમ ઉતરતી રોટલી ખાવાથી ટેવાયેલો ..એને સૌમ્યા કેવી રીતે જમાડતી હશે?”

ઓહ … હસતા હસતા અમરે એના હાથ પર પ્રેમથી હાથ મુકતાં કહ્યું …”આરુ! આવી તે કંઈ વ્યર્થ ચિંતા કરવાની હોય? તારો દીકરો કંઈ હવે નાનો નથી..એ તો સૌમ્યા સાથે મોજમસ્તી કરતો હશે ” અહીં આવ કહેતા અમરે પ્રેમથી આરોહીને પોતાના તરફ ખેંચીને એના હોઠ આરોહીના હોઠે ચાંપી દીધા.
દીર્ઘ ચુંબન ની ક્ષણો……અમર નિંદ્રામાં સરી ગયો..પણ આરોહીના આનંદસરોવરમાં ફરી પ્રિયેશની યાદે પથરો નાખી સરોવર હલાવી નાખ્યું. દેહ પ્રેમ નું સાધન છે .પણ પ્રેમનું મૂળ તો અંતરના તાર સાથે જોડાયેલ છે! આરોહીનું મન પ્રિયેશ અને અમરના પ્રેમમાં ખેંચતાણ અનુભવતું હતું. આજ સુધી છુપાયેલી યાદો ફરી ફરી બહાર આવતાં પ્રિયેશને મળવા મન ઝંખતું હતું . અદમ્ય ઈચ્છા થઇ આવી કે એકવાર મળી લઉં. પણ શુ પ્રિયેશની આંખોનો જાદુ નવેસરથી એને હચમચાવશે તો નહીં ? એની આંખોના ઊંડાણમાં ફરી ક્યાંક ખોવાઈ જઈશ તો? હું મારા સંયમમાં અધુરી ઉતરી જઈશ તો?સંવેદનશીલ આરોહી થોડી હચમચી ગઈ…

ત્યાં એની નજર શાંતિથી સુતેલા અમર તરફ ગઈ અને વિચારવા લાગી ….થોડું શ્યામ મુખારવિંદ…પણ એનું મન કેટલું નિર્મળ અને પ્રેમાળ છે! અમર એને કેટલી ઉત્કટતાથી ચાહે છે…..મારા સિવાય એણે કોઈને પ્રેમ કર્યો નથી. આરોહીના મન પર અનેક પ્રશ્નોની ઝડી વરસી પડી .અમરને એના પ્રિયેશ સાથેના પ્રથમ પ્રેમની જાણ થશે તો ? અમરને એના પર કેટલો વિશ્વાસ છે ! ભર યુવાનીના દિવસોમાં પણ અમરે ક્યારેય એની પર શંકા કરી નથી…એ વિશ્વાસ તૂટી જશે તો ? એને કેટલો આઘાત લાગશે ? . આટલા વરસોની લાગણીને કારણે શાયદ એ નફરત ના કરે પણ મારા પ્રત્યેના પ્રેમનું જરૂર અવસાન થઇ જશે ને? …ના હું એનો વિશ્વાસ નહીં તોડું. એને પ્રિયેશથી દૂર થતી વખતે તેઓ બન્નેએ કોઈના જીવનમાં ક્યારેય ના પ્રવેશવાનું આપેલું વચન પણ યાદ આવી ગયું .. ના..હું પ્રિયેશ ને મળવા નહીં જાવું. અમરને સુખ આપવું એજ મારું જીવન કર્તવ્ય છે.અમર પ્રત્યેની વફાદારી અદા કરીશ.. પતિપત્ની નો પરસ્પર વિશ્વાસ અને અખંડસ્નેહ જ જીવન નૌકાને કોઈ પણ મુશ્કેલીથી બચાવે છે….અમર નો પ્રેમ, એનો વિશ્વાસ એજ મારું સર્વસ્વ છે અને દ્રઢ નિર્ધાર સાથે નિંદ્રાધીન અમરના હ્રદય પર હાથ મૂકી મનોગત જાણે વચન આપતાં આરોહી બોલી ઊઠી …”ના, હું નહીં મળું” પ્રિયેશને નહી મળું …

@Anu..

Leave a comment